ક્ષમાની શોધ

ક્ષમાની શોધ

સારાંશ

આપણે બધા જીવનમાં ભૂલ કરીએ છીએ. શું આપણે કર્મના તીવ્ર ડંખની રાહ જોવી જોઈએ, અથવા દૈવી માફી જેવી કોઈ વસ્તુ પણ હોય છે? આ લેખમાં ઉડાઉ દીકરાની ઉપમાના દ્રષ્ટાંતમાં કહે છે, જે દર્શાવે છે કે સર્જનહાર પરમેશ્વર પાપીઓને હાથ પહોળા કરીને આવકારે છે અને એક પળમાં આખી જિંદગીના પાપને માફ કરી શકે છે.

ડાઉનલોડ

પ્રતાપ એક શ્રીમંત જમીનદારનો પુત્ર હતો. તેઓ એક મોટા મકાનમાં રહેતા હતા અને તેમના ઘણા નોકરો હતા. પ્રતાપને હંમેશા શ્રેષ્ઠ કપડાં, ખોરાક અને શિક્ષણ મળ્યું હતું - તે જાણતો હતો કે તેના માતાપિતા, ખાસ કરીને તેના પિતા તેને ખૂબ જ પ્રેમ કરે છે.

પણ જેમ જેમ પ્રતાપ મોટો થતો ગયો, તેમ તેમ તે બદલાવા લાગ્યો. હવે જૂની રીતો તેના માટે પહેલાં જેટલી આકર્ષક ન હતી. પિતાનું ઘર અને પિતાની રીતો બંધનરૂપ લાગવા લાગી. પ્રતાપ આઝાદી ઝંખવા લાગ્યો.

એક દિવસ પ્રતાપે તેની માતાને પિતા પાસે એક ખાસ વિનંતી સાથે જવા માટે વિનંતી કરી. જ્યારે તેણે તેની માતાને તે શું ઇચ્છે છે તે કહ્યું ત્યારે તે ભયભીત થઈ ગઈ. પરંતુ જ્યાં સુધી તે પૂછવા માટે સંમત ન થઈ ત્યાં સુધી તેણે તેને દબાણ કર્યું. આમાં ઘણા દિવસો લાગ્યા, પણ છેવટે તે રડતી રડતી પાછી આવી.

તેના પુત્ર તરફ જોવામાં અસમર્થ એવી તેની માતાએ કહ્યું, “તે તેવું કરશે. તે આપણી અડધી સંપત્તિ વેચી નાંખશે અને તને તારો વારસો આપી દેશે. પણ શા માટે, મારા દીકરા? શા માટે?”

પ્રતાપને થોડો અફસોસ થયો, પણ તે ઉત્સાહિત પણ થયો. તેની યોજના સફળ રહી. તેને પિતાના પૈસામાંથી તેનો હિસ્સો મળી જશે જેથી તે પોતાની મરજી મુજબ જીવી શકે.

જંગલી જીવન

પ્રતાપ એક મોટા શહેરમાં ગયો. તેણે એક મોંઘું પેન્ટહાઉસ ભાડે લીધું અને નવા મિત્રો બનાવવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ તે એવી પાર્ટીઓ કરવા લાગ્યો જેણે ધનિક અને મહાન લોકોને આકર્ષિત કર્યા. તેણે ગાડીઓ ખરીદી, સુંદર સ્ત્રીઓ સાથે સૂતો અને મોંઘા ભોજનાલયોમાં જમ્યો. તેની પાસે તે બધું હતું જે તેને ક્યારેક જોઈતું હતું.

પરંતુ એક દિવસ પ્રતાપના પૈસા ખૂટી ગયા. અપમાનિત થઈને તેણે તેના કેટલાક નવા મિત્રો પાસે થોડા પૈસા માંગ્યા, પરંતુ તેઓએ અચાનક તેના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. તે તેના બિલો ચૂકવી શક્યો નહીં. છેવટે, મકાનમાલિકે તેને કાઢી મૂક્યો. પૈસા વિના અને મિત્રો વિના, તે ક્યાં જઈ શકે?

પ્રતાપ મૂંઝાઈને, બેચેન થઈને શહેરમાં રખડતો હતો. જ્યારે સૂર્યાસ્ત થવા લાગ્યો ત્યારે તેને ડર લાગ્યો. તે ક્યાં સૂશે? તે શું ખાશે? જિંદગીમાં પહેલીવાર પ્રતાપ શેરીમાં ઊંઘ્યો, તેનું પેટ ભૂખથી કણસ્યુ.

પસ્તાવાનો સામનો કર્યો

પછીના થોડા દિવસો સુધી પ્રતાપે શહેરમાં નોકરી મેળવવા પ્રયત્ન કર્યો. શેરીમાં સૂવાથી તે ચીંથરેહાલ દેખાતો હતો, તેથી તેને એક જર્જરિત ભોજનાલયમાં સંચાલક સિવાય કોઈએ નોકરી આપી નહીં. પ્રતાપે કલાકોના કલાકો સુધી કામ કર્યું, ગ્રાહકોને ભોજન પીરસ્યું અને ટેબલો સાફ કર્યા. તેને ખૂબ જ ભૂખ લાગી હતી અને બહુ થાક લાગ્યો હતો. તે અચંબિત હતો કે તે કેવી રીતે શક્ય છે કે તે, એક શ્રીમંત માણસનો પુત્ર, ભોજન પીરસી શકે છે! જ્યારે છેલ્લો ગ્રાહક ભોજનાલયમાંથી બહાર નીકળી ગયો, ત્યારે તે વાસણ ધોવા માટે રસોડામાં ગયો. તેણે કચરાપેટી પાસે એક થાળીમાં અડધી ખાધેલી રોટલી જોઈ. તેને એટલી બધી ભૂખ લાગી કે તે લગભગ તેને લેવા માટે પહોંચી ગયો.

હું શું કરી રહ્યો છું? તેણે પોતાની જાતને ઠપકો આપ્યો. મારા પિતાના ઘરના નોકરોને પણ ખાવા માટે પૂરતી રોટલી છે, તો પણ વધે છે. અને હું અહીં, આ ગંદા વધેલાં ભોજનથી લલચાઉં છું!

તેણે થાળીઓના ઢગલા તરફ જોયું અને લાંબા સમય સુધી વિચાર્યું.

મને ખબર છે કે હું શું કરીશ, તેણે વિચાર્યું. હું મારા પિતા પાસે પાછો ફરીશ અને તેમને કહીશ, “પિતાજી, મેં તમારી વિરુદ્ધ અને પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર કહેવડાવવાને લાયક નથી. કૃપા કરીને મને તમારો એક નોકર બનાવી લો.”

એક પણ થાળી ધોયા વિના, પ્રતાપે ભોજનાલય છોડી દીધું અને ઘર તરફનો પ્રવાસ શરૂ કર્યો.

ઘરે પાછો ફર્યો

ઘરે પાછા ફરવા માટે પ્રતાપ પાસે વિચારવા જેવી ઘણી બાબતો હતી. જ્યારે તેના પિતા તેને જોશે ત્યારે તેઓ કેવી પ્રતિક્રિયા આપશે? જ્યારે તે ત્યાં પહોંચશે ત્યારે તે શું કહેશે તેનો તેણે પૂર્વાભ્યાસ કર્યો, પરંતુ તેનાથી તેને કંઈ ખાસ સારું લાગ્યું નહીં. છેવટે, એક લાંબી યાત્રા પછી, તે દૂરથી તેના પિતાનું ઘર જોઈ શક્યો. તે ધીરેથી માર્ગ પર આગળ વધ્યો.

અચાનક, તેણે એક બૂમ સાંભળી. તેના પિતા, જે સામાન્ય રીતે એકદમ શાંત અને શિષ્ટાચારથી વર્તતા, તે ઘરની બહાર દોડી આવ્યા. તે પ્રતાપ પાસે આવ્યા અને તેને ચુસ્તપણે ભેટી પડ્યા. પ્રતાપને લાગ્યું કે તેનું હૃદય ભાંગી પડશે.

“પિતાજી,” તે રૂંધાઈ ગયો, “મેં તમારી વિરુદ્ધ અને પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે. હું હવે તમારો પુત્ર કહેવડાવવાને લાયક નથી . . .”

પિતાએ જાણે એક પણ શબ્દ સાંભળ્યો ન હોય એવા દેખાતા હતા. તેમના ચહેરા પરથી આંસુ વહી રહ્યા હતા. ખળભળાટ સાંભળીને ઘરના નોકરો બહાર દોડી આવ્યા.

“જલ્દી કરો!” પિતાએ તેમને આદેશ આપ્યો. “તેનો ઓરડો તૈયાર કરો! તેના માટે સ્વચ્છ કપડાં તૈયાર કરો! મિજબાની તૈયાર કરો, આપણે ઉજવણી કરીશું! આ મારો પુત્ર છે - તે મરી ગયો હતો અને તે જીવંત છે; તે ખોવાઈ ગયો હતો અને હવે મળી ગયો છે!”

ક્ષમાની શોધ

આ વાર્તા પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવેલ એક દૃષ્ટાંત પર આધારિત છે જે એ વર્ણવવા માટે છે કે આપણે સર્જનહાર પાસેથી કેવી રીતે ક્ષમા મેળવી શકીએ. જ્યારે આપણે જીવનમાં ભૂલો કરીએ છીએ - ભલે ખૂબ મોટી ભૂલો કરીએ - ત્યારે આપણે પ્રભુ પાસે પાછા આવી શકીએ છીએ જે રીતે પ્રતાપ તેના પિતા પાસે પાછો ફર્યો. આપણે જટિલ ધાર્મિક વિધિઓ કરવાની કે બલિદાનો આપવાની જરૂર નથી. પ્રભુ ખુલ્લા હાથે આપણી રાહ જોઈ રહ્યા છે. તે હૃદય પરિવર્તનને સૌથી વધુ મહત્વ આપે છે. આપણે નમ્રતાપૂર્વક આપણા પાપોને સ્વીકારવા જોઈએ, ખરેખર દિલગીર થવું જોઈએ અને માફી માંગવી જોઈએ. શું તમે પ્રભુની ક્ષમાના દૈવીય ચમત્કારનો અનુભવ કરવા માંગો છો? તમે આજે, અત્યારે જ, તમે કરેલા દરેક ખોટા કામોથી શુદ્ધ થઈ શકો છો. તમે આ રીતે પ્રાર્થના કરી શકો છો:

પ્રિય પ્રભુ, હું મારા પાપો માટે ખૂબ જ દિલગીર છું. કૃપા કરીને મને માફ કરો અને પ્રભુ ઇસુ ખ્રિસ્તના મહાન બલિદાનને કારણે મને બધી અશુદ્ધતામાંથી શુદ્ધ કરો. આંતરિક રીતે મને એક નવી વ્યક્તિ બનાવો. આમેન.

જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશો વિશે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને આ કાગળ પાછળ આપેલી માહિતી દ્વારા અમારો સંપર્ક કરો.

Copyright © 2023 by Sharing Hope Publications. બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કાર્યને પરવાનગી વગર પ્રિન્ટ અને શેર કરી શકાય છે.

અમારા સમાચારપત્ર માટે સાઇન અપ કરો

જ્યારે નવા પ્રકાશનો ઉપલબ્ધ થાય ત્યારે, તેના પહેલાં જાણકાર બનો!

newsletter-cover