
પ્રભુના ખાસ લોકો
સારાંશ
પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું છે કે, આવનાર યુગમાં તે કેવી રીતે એક સંપૂર્ણ વિશ્વ ફરી સર્જશે. તેના ખાસ લોકો ત્યાં સદાકાળ માટે રહેશે. આ વિશેષ લોકો કોણ છે? બાઈબલ તેમને “શેષ” કહે છે આ પત્રિકા શેષજાતનું સંક્ષિપ્ત વર્ણન આપે છે અને આપણને બતાવે છે કે તે બધા કઈ ઘટના જોવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
પ્રકાર
Tract
પ્રકાશક
Sharing Hope Publications
માં ઉપલબ્ધ
22 ભાષાઓ
પૃષ્ઠો
6
આ વાર્તા એક એવા માણસ વિશે છે જેણે એક લાંબી મુસાફરી પર જતા પહેલા તેના ચાકરોને ભેગા કર્યા. એક નોકરને તેણે નાણાની એક મોટી થેલી આપી; બીજા નોકરને નાણાની એક મધ્યમ કદની થેલી આપી; અને ત્રીજા નોકરને નાણાની એક ખૂબ જ નાની થેલી આપી- દરેકને તેમની ક્ષમતા અનુસાર થેલી આપી. જ્યારે તે જાય ત્યારે તેની મિલકતનું જરૂરથી ધ્યાન રાખવા તેણે તેમને કહ્યું. પછી તે રવાના થયો.
પહેલો ચાકર તેને આપેલા નાણા લઈને તેનો વેપાર કરવા લાગ્યો. તે જ રીતે, બીજા ચાકરે પોતાના પૈસાનો ઉપયોગ વ્યવસાય કરવા માટે કર્યો. તેઓએ સખત મહેનત કરી, અને ટૂંક સમયમાં જ તે બંનેએ તેમને સોંપવામાં આવેલી રકમને બમણી કરી દીધી.
પરંતુ ત્રીજો ચાકર, જેની પાસે નાણાની ખૂબ નાની થેલી હતી, તે અલગ હતો. તેણે સલામતી માટે જમીનમાં એક ખાડો ખોદીને નાણાને દાટી દીધા - પછી જ્યારે માલિક બહાર હતા ત્યારે વર્ષો સુધી આળસનો આનંદ માણીને આરામ કર્યો.
અંતે, માલિક પાછો ફર્યો. પ્રથમ બે ચાકરોએ તેને જણાવ્યું કે કેવી રીતે તેઓએ સખત મહેનત કરી અને તેની સંપત્તિને બમણી કરી. તેણે કહ્યું, “શાબ્બાશ! તમે સારા અને વિશ્વાસુ ચાકરો છો. તમે નાની બાબતોમાં તમારી જાતને સાબિત કરી છે, આથી હવે હું તમને મોટી બાબતો સોંપીશ.” ત્યાર પછી તેણે તેમને ઈનામ આપ્યું.
ત્રીજો ચાકર સંકોચ અને ક્ષોભ સાથે આગળ આવ્યો. “માલિક,” તેણે કહ્યું, “હું જાણતો હતો કે તમે એક સખત્ત માણસ છો, જ્યાં તમે વાવ્યું ન હોય, ત્યાં લણો છો અને જ્યાં તમે બીજ વિખેર્યા ન હોય, ત્યાં ભેગું કરો છો. હું ડરતો હતો, તેથી મેં તમારા પૈસા જઈને જમીનમાં સંતાડી દીધા. આમાં, જે છે તે તમારું છે - તેમાં થોડું પણ ઓછું નથી.” પરંતુ માલિક ગુસ્સે થયો કારણ કે તે જાણતો હતો કે જ્યારે તે દૂર હતો ત્યારે આ આળસુ ચાકરે કંઈ જ કર્યું નથી. તેણે તેના નાણા લઈ લીધા અને જે ચકરોએ વફાદારીથી કામ કર્યું હતું તેને આપી દીધા અને બેવફા ચાકરને સજાની જગ્યાએ ફેંકી દીધો.
એક ઉત્તમ રાજ્ય
આ વાર્તા મહાન શિક્ષક અને વાર્તાકાર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કહેવામાં આવી હતી. તેમનું પુસ્તક, બાઈબલ, આપણને જણાવે છે કે તે એક દિવસ વાદળોમાં પાછા આવશે અને તેમના ખાસ લોકો, તેમના વફાદાર સેવકોને એક મોટું ઈનામ આપશે. પરંતુ જેઓ તેમના પુનરાગમન માટે તૈયાર નથી તેઓ ખૂબ જ નિરાશ થશે.
ઈશ્વરના વિશ્વાસુ સેવકો માટે આ અદ્ભુત ઈનામ શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને “દેવનું રાજ્ય” નામના સ્થળે લઈ જવાનું વચન આપ્યું હતું. આ રાજ્ય એ સ્થાન છે જ્યાં સર્જનહાર રહે છે. તે એક ઉત્તમ સ્થળ છે જ્યાં દરેક વ્યક્તિ સંપૂર્ણપણે ખુશ છે અને જ્યાં પ્રભુ માનવતા સાથે રહે છે. આ રાજ્યના લોકો પ્રભુના નિયમો સાથે અને એકબીજા સાથે સુમેળમાં રહે છે. ત્યાં કોઈ દુ:ખ નથી, પીડા નથી કે મૃત્યુ નથી. આ અદ્ભુત રાજ્યનો ક્યારેય અંત આવશે નહીં! પરંતુ ફક્ત વિશ્વાસુ અને આજ્ઞાકારી લોકો જ આ સ્થળ પર જઈ શકશે. જેઓ પ્રભુને નકારે છે અથવા તેમની સેવા કરવામાં આળસુ અને બેદરકાર છે તેઓ તેમના રાજ્યમાં પ્રવેશ કરી શકશે નહીં.
આપણી મેળે પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરવો એ શક્ય નથી. તે ઘણા જન્મોના સારા કાર્યો કરતાં વધુ ખર્ચાળ હશે. તેના બદલે, સર્જનહાર આપણને એક મફત ભેટ તરીકે પ્રવેશ આપે છે. કોઈપણ વ્યક્તિ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકે છે, પછી ભલે તેની જાતિ, સામાજિક સ્થિતિ અથવા ભૂતકાળનો ઈતિહાસ ગમે તે હોય. જો કે આપણે સારા કાર્યો દ્વારા આ રાજ્યમાં પ્રવેશ મેળવી શકતા નથી, તેમ છતાં આપણા કાર્યો મહત્વના છે. પ્રભુ આપણા કાર્યોને જુએ છે કે શું આપણે એવા લોકો છીએ કે જેઓ આવા સંપૂર્ણ, સુમેળભર્યા સ્થળે ખુશ થઈશું.
બાઈબલ ખાસ લોકોના એવા જૂથનું વર્ણન કરે છે જેઓ પ્રથમ બે ચાકરો જેવા છે—તેઓ જે કંઈ કરે છે તેમાં વિશ્વાસુ રહે છે. આ ખાસ લોકો, જેને “બાકીનાં” કહેવામાં આવે છે, જે વિશ્વના દરેક દેશમાં એવા લોકો છે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને પ્રભુ ઈસુના પુનરાગમનની આતુરતાથી રાહ જુએ છે.
બાકીનાં સાથે જોડાવું
આપણે ઈશ્વરના ખાસ લોકો, આ વિશ્વાસુ સેવકોનો સમૂહ જે એક દિવસ દેવના રાજ્યમાં પ્રવેશ કરશે તેનો એક ભાગ કેવી રીતે બની શકીએ? પ્રભુ ઈસુએ આપણને દેવને વિશ્વાસુ રહેવાનું શીખવ્યું, પરંતુ તેમણે જટિલ નિયમોની કોઈ લાંબી સૂચિ નથી બનાવી. તેમણે કહ્યું કે પ્રભુ તારા દેવ પર, તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતી કર અને જેવો તું પોતા પર તેવો જ તારા પડોશી પર પ્રેમ કર (બાઈબલ, માથ્થી ૨૨:૩૭–૪૦). તે સરળ લાગે છે, પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો પાસે અણગમતા લોકોને પ્રેમ કરવાનું સરળ હોતું નથી. છતાં પ્રભુ ઈસુએ કહ્યું છે, “તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો” (બાઈબલ, માથ્થી ૫:૪૪). આ ફક્ત એટલા માટે જ શક્ય છે કારણ કે પ્રભુ રહસ્યમય રીતે આપણા હૃદયને બદલી નાખે છે અને આપણને અલૌકિક પ્રેમ અને ભલાઈ આપે છે. પ્રભુ પ્રત્યે અને બીજાઓ પ્રત્યે પ્રેમની ભાવનાવાળું જીવન એક પુરાવો છે કે આપણે પ્રભુ ઈસુના વિશ્વાસુ સેવકો છીએ.
દેવના રાજ્યમાં અનંત જીવન!
પ્રથમ બે ચાકરોની જેમ, ઈશ્વરના સાચા અનુયાયીઓ ધૈર્યવાન અને વિશ્વાસુ હોવા જોઈએ. જ્યારે આપણા સ્વામી ઈસુ પાછા ફરે છે, ત્યારે આપણી નિષ્ઠા અને વફાદારી માટેનું ઈનામ દેવના રાજ્યમાં અનંતકાળ માટે પ્રવેશના રૂપમાં મળે છે. એ રાજ્ય “જેઓ દેવની આજ્ઞા પાળે છે તથા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે” તેમના માટે છે” (બાઈબલ, પ્રકટીકરણ ૧૪:૧૨).
જો તમે હંમેશ માટે પ્રભુના રાજ્યમાં જીવતા લોકોમાં જોડાવા માંગતા હો, તો તમે આ રીતે પ્રાર્થના કરી શકો છો:
પ્રિય પ્રભુ, હું તમારા રાજ્યમાં તમારી સાથે રહેવા માંગુ છું. મને શીખવો અને તમે પાછા ફરો ત્યાં સુધી તમને વિશ્વાસુ રહેવામાં મને મદદ કરો. મને વધુ સારી જગ્યાએ લઈ જવાના તમારા વચન બદલ આભાર! આમેન.
જો તમે દેવના રાજ્ય વિશે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને આ કાગળની પાછળ આપેલી માહિતી પર અમારો સંપર્ક કરો.
Copyright © 2023 by Sharing Hope Publications. બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કાર્યને પરવાનગી વગર પ્રિન્ટ અને શેર કરી શકાય છે. સ્ક્રિપ્ચર ગુજરાતી બાઇબલમાંથી લેવામાં આવ્યું છે.Copyright © 2017 Bridge Connectivity Solutions. પરવાનગી દ્વારા ઉપયોગ થયેલ છે. બધા હકો અમારી પાસે રાખેલા છે.
અમારા સમાચારપત્ર માટે સાઇન અપ કરો
જ્યારે નવા પ્રકાશનો ઉપલબ્ધ થાય ત્યારે, તેના પહેલાં જાણકાર બનો!
